Our Story
|| ગુજરાતી મંડળ ઓફ સેન્ટ્રલ ઓહાયો - કોલંબસ ||
GMOCO નો પ્રારંભ 56 વર્ષ પહેલા ઈ. સ. 1967 માં થયો. સમાજ માટે સમર્પિત અને આગવી કોઠાસૂઝ ધરાવતા નિષ્ઠાવાન અગ્રણીઓએ સમાજનું નેતૃત્વ સંભાળ્યું. અનેક અવરોધો, અનેક અડચણો તથા પારાવાર મર્યાદાઓ વચ્ચે પણ તેમણે મંડળના વૃક્ષનું અમીસિંચન કર્યું. ભવિષ્યને નજર સમક્ષ રાખીને મંડળનું બંધારણ ઘડયું, પ્રવૃત્તિઓની રૂપરેખા કંડારી અને વિવિધ આયોજનો ધ્વારા મંડળને સમૃધ્ધ કર્યું !
પ્રારંભકાળે આજના જેવા સમર્થ અને સમૃધ્ધ સંપર્ક-માધ્યમો નહોતાં. એવા સમયે સમાજના તમામ સભ્યો વચ્ચે આત્મીયતા જગાડવાનું કેવું મુશ્કેલ હશે ! સમયનો કેટલો બધો ભોગ આપીને તેમજ પરિશ્રમનો કેવો ધોધ વહાવીને આપણા વડીલોએ આપણા માટે આ સેતુ રચ્યો હશે એની માત્ર કલ્પના કરીએ તો પણ તેમના માટે આદરપૂર્વક આપણે નતમસ્તક થઈ જઈશું.
સમાજ માટે સક્રિય બનનાર વ્યકિતએ સામા પ્રવાહે તરવાનું હોય છે. અંગત સુખો છોડીને, પારિવારિક સંબંધોની માયા સંકેલીને, ગાંઠનું ગોપીચંદન ખર્ચીને આગળ વધવાનું હોય છે. જે લોકો સામાન્ય રીતે સમાજના હિત માટે કશું જ નથી કરતાં હોતા, તે લોકો સદાય વિરોધી પ્રવૃત્તિઓ ધ્વારા અડચણો પેદા કરતા હોય છે. એવી છીછરી મનોવૃત્તિઓના લોકો સાથે વૈમનસ્ય રાખ્યા વગર, મોટું મન રાખીને અને સમગ્ર સમાજનું હિત વિચારીને પોતાની કર્તવ્યનિષ્ઠાને વફાદાર રહેવાનું કામ આપણે ધારીએ છીએ તેટલું સરળ નથી. હોદે્દારોની સામાન્ય ભૂલ પણ સમાજમા ટીકાનો વિષય બની શકે છે.
સદ્ ભાગ્યે, આપણા સમાજના તમામ સભ્યો સ્નેહ અને સદ્ ભાવથી સહકાર આપતા રહયા છે.
આજે આ પ્રસંગે અતીતને યાદ કરતાં કેટલીક હકીકતો આપણાં સંસ્મરણોમાં આવે છે. ગુજરાતી સમાજનાં સેંકડોથી પણ વધુ કાર્યકરોએ નિઃસ્વાર્થભાવે સેવા આપતાં આજે "ગુજરાતી મંડળ ઓફ સેન્ટ્રલ ઓહાયો" (GMOCO) વટવૃક્ષ બનીને આપણી સામે ઉભું છે. આજથી લગભગ પાંચ દાયકા (૫૦ વર્ષ) પહેલા કોલંબસમાં ગણત્રીના જ ઘર હતાં. સમયાંતરે તે સંખ્યા વધીને આજે લગભગ ૮00 ઘર થયેલ છે. જુદાં-જુદાં શહેરથી આવીને કોલંબસમાં વસેલા આપણાં અલ્પ સંખ્યક ગુજરાતીઓએ સારા/માઠા પ્રસંગે એકબીજાને મદદરૂપ થઈ શકે તેવા શુભ ઉદે્શથી કોલંબસમાં વસતા હતા તેમણે દીઘદ્રષ્ટિથી ગુજરાતી સમાજનું એક મંડળ રચવાનો શુભ સંકલ્પ કર્યો. જે આજે "ગુજરાતી મંડળ ઓફ સેન્ટ્રલ ઓહાયો" (GMOCO) ના નામથી પ્રચલિત છે.